પારીખા ધામ
શ્રી સ્વામિનારાયણ ભગવાનના સમકાલીન સમયના ૫૦૦ પરમહંસોમાંના દિગ્ગજ પ્રખર જ્ઞાતા સંત શિરોમણી મહામુક્ત જેઓ ને શ્રી હરિએ કહેલ કે જેવું અમારું સામર્થ્ય, એવું જ ગોપાળાનંદ સ્વામીનું છે. માટે તમો જે સંકલ્પ કરશો તે સિદ્ધ થશે.
એવા સદગુરુ ગોપાળાનંદ સ્વામી એક વખત સારંગપુર પધાર્યા ત્યારે દરબાર શ્રી વાઘાખાચર તેમના દર્શન કરવા ગયા હતા, ત્યારે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ એમને પૂછ્યું કે કેમ દરબાર સુખી તો છો ને? ત્યારે દરબાર વાઘખાચરે કહ્યું કે સ્વામી અમારે તો બે જાતનો કાળ છે. એક તો ત્રણ વર્ષ થી વરસાદ થતો નથી અને બીજું કે સારંગપુર ગામ શ્રીજી મહારાજ પ્રસાદીનું ગામ છે એટલે અમારે સાધુની આવજા ઘણી રહે છે, અને રસ્તા નું ગામ એટલે તીર્થ વાસી હરિભક્તો નો પણ ઘણો ઘસારો રહે છે. અમો આર્થિક રીતે દુર્બળ હોવાથી ખર્ચમાં પહોચી શકાતું નથી, જેથી ભાવે કરીને સંતોને રાખવા હોય તો પણ સંતો રોકાતા નથી, જેથી સત્સંગ અને સંત સેવાથી વંચિત રહીએ છે. આમ કહી દરબાર વાઘાખાચર ઘણા દિલગીર થયા.
જેથી ક્ષણીક ધ્યાન ધરી સ્વામી શ્રી બોલ્યા, લ્યો તમને એક કમાઉ ભાઈ પધરાવી આપું. ખર્ચ તમારા માથે નહીં પડવા દઉં. અને સાધુ સંતો કાયમ અહીંયા રહેશે, પછી તમારે કોઈ વાત નું દુઃખ રહેશે નહીં. આમ કહી ગોપાળાનંદ સ્વામી એ બોટાદના કાનજી મિસ્ત્રીને બોલવવી હનુમાનજી મૂર્તિ ઘડવા જણાવ્યું, ત્યારે કાનજી મિસ્ત્રી એ કહ્યું કે જો મને કોઈ હનુમાનજીનું ચિત્ર દોરી આપે તો તે મુજબ આબેહૂબ મૂર્તિ બનાવી આપું. આમ થતા ખુદ સદ્.શ્રીગોપાળાનંદ સ્વામી એ તેની સરળતા અર્થે બે ચિત્રો દોરી આપેલ, અને મૂર્તિ રચવા આદેશ કર્યો.
ત્યારબાદ સમય જતા બે મૂર્તિઓ કાનજી મિસ્ત્રીએ તૈયાર કરી અને વિક્રમ સંવત ૧૯૦૫ આસો વદ પાંચમના દિવસે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ તેમાંથી એક સ્વરૂપની પ્રાણ પ્રતિષ્ઠા સારંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી નામથી કરી.
સદગુરુ ગોપાલાનંદ સ્વામી ને વડોદરા માટે પણ ઉમદા લાગણી રહેતી, જેથી ત્યાંના હરિભક્તોની વિશેષ લાગણીના કારણે, જે કાનજી મિસ્ત્રી પાસે બીજી મૂર્તિ બનાવવા આપેલ તે વડોદરા મુકામે પધરાવવાનું નક્કી થતા ત્યાં લાવવામાં આવી. એવું સંપ્રદાયના વૃદ્ધ વડીલો, હરિભક્તો અને સંતો પાસે થી જાણેલ છે.
આ મૂર્તિના દર્શન થતા વડોદરાના હરિભક્તોને સાદર મૂર્તિ વામન (નાનેરી) જણાઈ, આમ થતા ત્યાં મૂર્તિ પધરાવવામાં વિલંબ થયો, શ્રી હરિની ઈચ્છા કંઈક ઓર જ હતી. સમય, સ્થળ અને સંજોગ ના થતા તે મૂર્તિ લાંબા સમય સુધી ત્યાં જ રહી.
આજ કષ્ટભંજન દેવનું દૈવી દર્શન હતું કે તેઓની વડોદરા નહીં પણ પારીખા બિરાજવાની ઈચ્છા હતી.
એક સુભાષિતથી એની સ્પષ્ટતા મળી જાય છે
"ચંદનમ્ શીતલમ્ ચંદનાપી ચંદ્રમાં
ચંદ્ર ચંદ્રન યો મધ્યે શીતળ સાધુ સંગતિ"
"દુનિયામાં ચંદન શીતળ હોય છે ચંદનથી પણ શીતળ ચંદ્રમા છે, ચંદ્ર અને ચંદનથી પણ વધારે શીતળ હોય છે સાધુઓનો સંગ"
આ ઉપેન્દ્રાનંદ સ્વામી સત્સંગ સાથે શ્રી હરિ પ્રાગટ્યનો મહિમા લોકોને સમજાવતા એક વખત તેઓ પારીખા ગામમાં પધાર્યા તેઓ હરિભક્તો સાથે સત્સંગની વાર્તા કરતા હતા. નિયમિત થતી કથાવાર્તા બાદ સ્વામીશ્રી હરિભક્તો સાથે તેઓમાં જે કાંઈ ધ્વંધ્વ કે શંકા-કુશંકા હોય તેનું નિવારણ કરતા અને વ્યવહારિક કાર્ય અંગે પણ ચર્ચા કરતા હતા. આવા સમયે એક દિવસ સ્વામીશ્રી તેઓ સાથે ચર્ચા કરતા હતા ત્યારે કેટલા હરિભક્તોએ જણાવ્યું કે સ્વામીશ્રી હમણાંજ છપ્પનિયો કાળ ગયો છે, અમો થોડા હતાહત થયેલ છે વળી રોગચાળાના ભરડામાં કેટલાય અમારા પશુઓ અમે ગુમાવ્યા છે. આવો ભયાનક રોગચાળો પુનઃ આવે તો તેમાંથી હેમખેમ પાર ઉતારીએ એવા આર્શીવચન આપો તો ઘણું સારું. વળી તેવા સમયે તેઓએ શ્રી હરિની કૃપાએ કરીને સર્વ હરિભક્તો સુખિયાતો છો ને? એ પ્રશ્ન કરતાં તેમાંના હરિભક્ત પટેલ ઈશ્વરભાઈ જીવનભાઈએ પોતાના હૃદયમાં છુપાયેલ દુઃખની વાત કરતાં કહ્યું કે સ્વામીશ્રી આમ તો અમો સુખી છીએ. પરંતુ કહેવાય છે કે સત્સંગમાં રહી શ્રી હરિની ઉપાસના કરનાર ની ઈકોતેર પેઢી તરી જાય પરંતુ મારે તો ભાવી પેઢી જીવંત રહે અને સત્સંગ સચવાઈ રહે તેવું કોઈ જ નથી મારે આંગાણે "શેર માટીની ખોટ છે" આમ સાંભળી સ્વામીશ્રી થોડો સમય વિચાર કરી કહ્યું કાલે સવારે આપણે આનો રસ્તો કાઢીશું. આમ કહી સ્વામીશ્રી પોતાના આસને ગયા અને રાત્રીના સમયે તેઓએ પોતાના ગુરૂ ગોપાળાનંદ સ્વામીનું ધ્યાન ધર્યું ને તેમને ગોપાળાનંદ સ્વામીએ દર્શન આપ્યા. સમાધીમાં ગુરૂ-શિષ્યનો મેળાપ થયો. ને ઉપેન્દ્રાનંદ સ્વામીએ આગળ બનેલ ઘટનાની વાત કરી ત્યારે તૂર્તજ ગોપાળાનંદ સ્વામીએ તેઓને જણાવ્યું કે વડોદરા ખાતે જે હનુમાનજીની મૂર્તિ છે તે જો ત્યાં પધરાવવામાં આવે તો તેઓના ઘરે પારણું બંધાશે અને મૂંગા પશુ માટે પશુ આ દાદા જ તારણહાર બનશે. આમ જણાવતાં ઉપેન્દ્રાનંદ સ્વામીએ બીજે દિવસે પ.ભ. ઈશ્વરભાઈને જણાવ્યું કે સારંગપુરમાં કાનજી મિસ્ત્રી દ્વારા ઘડાયેલ હનુમાનજીની મૂર્તિ જે છે તે વડોદરા છે તેને અત્રે લાવીને પધરાવવામાં આવે તો તમારો મનોરથ સફળ થશે.
આમ ગુરૂ ઉપેન્દ્રાનંદ સ્વામીએ જણાવતા પ.ભ. ઈશ્વરભાઈ પટેલ પોતાની વેલડી (ગાડું) લઈને પારીખા ગામના કેટલાક હરિભક્તો સમેત વડોદરા મૂકામે ગયા ને ત્યાંથી જેઓ બુદ્ધિમતા શ્રેષ્ઠ પ્રખર જ્ઞાતાને જેનો પ્રતાપ ચારે જુગમાં એવા કષ્ટભંજનદેવની મૂર્તિને પારીખા ખાતે લાવવામાં આવવી. આમ તો પારીખા ગામે શ્રી સ્વામિનારાયણનું મંદિર હતું પરંતુ શિખરબંધી મંદિર ન હતું. આથી સોનામાં સુગંધ મેળવવાનું કામ પરમ વંદનીય પ.પૂ. ઉપેન્દ્રાનંદ સ્વામીએ સૌ હરિભક્તોને અહીં શિખર બંધ મંદિર માટે આહવાન કર્યું. સર્વ સત્સંગીઓએ તેઓના આદેશને દિલ અને દિમાગથી સ્વીકૃતિ આપી. ને તેઓશ્રીની પ્રેરણા થકી શિખરબંધી મંદિર નું નિર્માણ કર્યું. આમ થતા જે દિને રવિ નીજ કીરણો ધરતી પરના અંધકારની ભેદીને ઉજાસ પાથરી રહેલ હતો. પક્ષીઓનો મધુર ગુંજારવ સંભળાઈ રહ્યો હતો, મંદમંદ શીતલ સમીર વાયુદેવના આગમનને વધાવી રહેલ હતો.
ને સાંરગપુરની મૂર્તિ ઘડનાર જે કસબી હતા તેના થકી જ તૈયાર થયેલ આ મૂર્તિ હતી. વળી ગુરુ શિષ્યનો એકાત્મભાવ હતો જેથી કરીને જો સદગુરુ ઉપેન્દ્રાનંદ સ્વામી થકી પ્રાણાર્પણ થનાર હોય તો તેમાં પણ એટલું જ દૈવત્વ આવે એ વિચારે હરિભક્તો પણ અનેરા ઉલ્લાસ, ઉમંગ અને ઉત્સાહમાં ગરકાવ થયેલ હતા તે દિવસ એટલે સંવત 1914 માગસર સુદ-6/છઠ્ઠ ને દિને પારીખા ગામે તા.૨૨-૧૧-૧૮૫૭ રવિવારના રોજ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. સદગુરુ ઉપેન્દ્રાનંદ સ્વામીએ સ્વહસ્તે આરતી ઉતારીને સર્વ કષ્ટ હરનાર દેવ સદાય અત્રે હાજરા હાજર રહી લોકોના કષ્ટ દૂર કરી સર્વની મનોકામના સફળ કરશે તેમજ પશુ-પક્ષીઓના બેલી બનીને સમાજ કલ્યાણ કરશે. એવા ઉભય પક્ષે સેવા પ્રદાનની સ્વામીશ્રી દ્વારા ઉદ્ઘોષણા થતાં સર્વ હરિભક્તો આનંદ વિભોર બની ગયા.
આ ઉદ્ઘોષણા થકી અતૂટ શ્રદ્ધા પૂ. દાદા સાથે જોડાઈને કહેવાય છે કે “શ્રદ્ધા આગળ કોઈ પણ દર્દ હારી જાય છે.” ને સાથી શ્રદ્ધામાં દૈવી સંકેત હોય છે ને તે વ્યક્તિને સાથી દિશામાં કર્મ કરવા પ્રેરે છે ને આમ બનતાં દર્દ હારી જાય છે. ટૂંકમાં દુવા અને દવા આનું નામ. તે સાથે સમયાંતરે જનસમૂહમાં અનુભૂતિ થવા લાગી વળી પ.ભ. ઈશ્વરભાઈની ઈચ્છાને આકાંક્ષા પૂર્ણ થવા લાગી તેમના આંગણે પારણું બંધાઈ ગયું ત્યાં જ અતૂટ વિશ્વાસ લોકલાગણીમાં તીવ્ર વેગથી પ્રસારીને દાદાના ચરણોમાં મસ્તક મૂકીને આરાધના કરતાં પોતાના દિલ દઈને દુઃખોની દવા અલબત્ત મનોકામના સિદ્ધ થતાં માનવ ભીડ ઉમટવા લાગી જેના આજે દર્શન થઈ રહ્યા છે.
વળી પૂ. દાદા જે વેલડીમાં અને આવ્યા તે વેલડી-ગાડું તેમાં કષ્ટભંજનદેવ મત મુજબ એમ વિચારતા લાગ્યા કે જે મારો ભાર વહન કરીને આ મૂંગા પશુ મને મારી ઈચ્છાના સ્થળે લઈ આવ્યા તેનું પણ શ્રેય થવું જોઈ ને એ અનુભૂતિ સ્વરૂપે કોઈકનું પશુ બીમાર થતા ત્યાંથી સિંદૂર લઇ તિલક કરી માનતા રાખતાં તેના પશુ ની માંદગી દૂર થઇ ગઈ. બસ ત્યારથી આ પારીખા કષ્ટભંજનદેવ માત્ર માનવ કલ્યાણ માટે જ નહિ પણ પશુઓના તારણહાર તરીકે પ્રસિદ્ધ થવા લાગ્યા.
આમ ઉભય પક્ષે શ્રેય કરનાર પારીખા કષ્ટભંજનદેવ વિશેષ આરાધ્યદેવ બની ગયેલ છે.
અને એના પરિણામ સ્વરૂપ અત્રે પારીખા ખાતે કષ્ટભંજનદેવના સાનિધ્યમાં રહી શ્રી હરીની ઉપાસના કરતાં ને કષ્ટભંજનદેવની આરાધનામાં સદાય મગ્ન રહેતા સ્વામી શ્રી હરિચરણદાસજી જેઓ પારીખા ખાતે રહીને સ્વયં આત્મીય સ્ફુર્ણા થવાને વાસ્તે તેઓશ્રીએ શ્રી ગોપાળાનંદ સ્વામી દ્વારા આકૃત થયેલ મંત્રની તાવીજ તેમજ દોરા (ધાગા) બનાવવાની પહેલ કરીને પરિણામ સામે જ આવીને ખડું થયું. ગામમાં ફેલાયેલ પશુ રોગચાળો આ તાવીજ ગામ ભાગોળે લટકાવતાં આ તાવીજમાંથી ઈશ્વરીય ઉર્જાનો સંચાર થયો ને તેની સીધી અસર પશુઓ પર થવા લાગી અને ટુક સમયમાં ગામમાં રોગચાળાના ભયમાંથી પશુઓને મુક્તિ મળી ગઈ. બસ ત્યારથી આ પારીખા કષ્ટભંજનદેવની તાવીજ ગામ ભાગોળે લટકાવવામાં આવતાં પશુઓ રોગમુક્ત થઈ જાય છે ને પરિણામને વાસ્તવિકતા આપ સન્મુખ છે કે જે આપના ગામની ભાગોળે જે તાવીજ નારિયેલ લટકાવવામાં આવે છે તે પારીખા કષ્ટભંજનદેવની અનમોલ ભેટ છે.
આ સિદ્ધ મંત્રીત તાવીજ માદળિયું દોરા એ જો કોઈની પણ દેન હોય તો તે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યશ્રીને સંતો થકી છે. જેઓ શ્રી હરિ દ્વારા જણાવેલ માર્ગ પર રહી સમાજ ઉત્થાનનું અદ્ભૂત કાર્ય આજે પણ કરી રહેલ છે.
"ઇસ કચ્ચે ધાગે કા બંધન અતૂટ હૈ" ને આપ સુવિદિત છો કે અભિમન્યુએ છ કોઠાઓ ધાગોના સહારે જીત્યા હતા. તો આ તો શ્રી સ્વામિનારાયણના સંત દ્વારા સિદ્ધ મંત્રીત ધાગા હોય તો તેમાં કેટલી પ્રચંડ તાકાત હોય! એનો અંદાજ કરતાં પહેલાં અનુભૂતિમાં લો, યાદ રાખો "જે દિવ્યમતી હશે તો જરૂર દિવ્ય ઉર્જાનો સંચાર થશે ને સહી દિશામાં ઈચ્છીત ફળ આપીને જ જંપશે."
આમ પારીખા કષ્ટભંજનદેવ હનુમાનજી જે ઉભય પક્ષે અલબત્ત માનવ સાથે પશુઓ માટે ઉપકર્તા એવમ આશીર્વાદ રૂપ બની ગયેલ છે.
આજે ગુજરાત સમેત અનેક પ્રદેશોમાં ગામડે-ગામડે ગામની ભાગોળે જે માદળિયું - નાળિયેર લગાડવામાં આવે છે તે જો કોઈની નીપજ હોય તો તે પારીખા કષ્ટભંજનદેવની ભેટ છે. જેના સ્વરૂપે પશુ રોગયાળો થતો નથી કદાય જો થાય તો તાવીજ લગાડવામાં આવતાં તૂરત દૂર થયા છે. આમ જે સંતે અનમોલ ભેટ (તાવીજ / ધાગા) ની આપી તે સંત શ્રી હરિચરણદાસજી જેઓ પારીખા ગામ જાતે દીર્ઘકાલીન સમય સુધી રહ્યા ને તેઓને દેહોત્સર્ગ પણ અને પારીખા ખાતે જ કર્યો ને શ્રી હરિના સાનિધ્યમાં અક્ષરધામમાં સેવા અર્થ જોડાઈ ગયા. પારીખા ગામના પાદરમાં ગોમતી સરોવરના કાંઠે તેઓની સમાધી તેમજ તેઓશ્રીના ચરણની સ્મૃતિ આજે જીવંત ગવાહી આપી રહેલ છે. જેના દર્શન મુખપૂજના અંતિમ ભાગમાં કરી શકાય છે.
શ્રી હરિચરણદાસ સ્વામીશ્રીએ પોતે અક્ષરધામમાં જતાં પહેલા આ સેવા જીવંત રહે સદર હેત્વર્થે ઉત્તરાધિકારી તરીકે ગામના હરિભક્ત હનુમાનજી ઉપાસક એવા કરસનભાઈ હરજીભાઈ પટેલને અને તદનુસાર કમશ: આજે સેવાની ઉપલબ્ધ મળી રહેલ છે.
જેથી સારંગપુર તેમજ પારીખાના શ્રી કષ્ટભંજનદેવનું સ્વરૂપ અને તેમનો પ્રતાપ આજે પણ આપણને એક સરખો જ જોવા અને અનુભવવા મળે છે.